નવા વર્ષે, નવ પગલે નાણાકીય આયોજન

Written by Vidya Kumar

January 8, 2015

Picture

આપણે સૌ 2015 નું સ્વાગત કરવા માટે તૈયાર થઇ ગયા છીએ. નવા વર્ષનું સ્વાગત કરવાની સાથે સાથે નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપને સૌ નાણાકીય આયોજન સારી રીતે કરીએ એવી શુભેચ્છા.

આવક જાવકનું મુલ્યાંકન :-
દરેક પરિવારમાં સૌપ્રથમ આવક અને ખર્ચાઓ એટલે કે જાવકનું મુલ્યાંકન કરવું અગત્યનું છે. એક સામાન્ય સિધાંત પ્રમાણે જોતા આવક ના 30% ની બચત, 30% ઘરખર્ચમાં, 30% EMI માં તેમજ 10% વીમા પાછળ ખર્ચ કરી શકાય છે. જો તમે NRI હોવ કે લગ્ન ન કરેલા હોય તો બચતમાં વધારો કરી શકાય છે. લગ્ન કરીને હમણાંજ પરિવાર શરુ કરેલ હોય તો બચતની ટકાવારી ઓછી હોઈ શકે છે.

નાણાકીય જોખમનું આયોજન :- 
નાણાકીય જોખમનું આયોજન યોગ્ય રીતે ન કરવામાં આવે તો ઘણું નુકસાન થઇ શકે છે. સૌપ્રથમ એક કટોકટી ભંડોળ ઉભું કરવું જોઈએ એટલેકે 3 થી 6 મહિનાનો ખર્ચ નીકાળી શકાય એવી રીતે નિવેશ કરવું જોઈએ આવા ભંડોળમાં પ્રવાહિત  મ્યુચલ ફંડમાં (Liquid MF) નાણા રોકી શકાય. તેમજ તેમાની થોડી રકમની FD પણ કરી શકાય છે. અમુક  AMC માં પ્રવાહિત  મ્યુચલ ફંડમાં નિવેશ કરવાથી  ATM ની જેમજ નાણા કાઢી શકાય તેવું કાર્ડ પણ આવે છે.

એક પોતાનો હેલ્થપ્લાન :- 
આજે મેડીકલ ખર્ચાઓ વધતાજ જાય છે. જો ઘર માંથી કોઈ વ્યક્તિ બીમાર પડે અને મેડીક્લેમ વીમો ન હોય તો નાણાકીય નુકશાન થઇ શકે છે. દરેક પરિવાર પાસે ઓછામાં ઓછા 5 લાખની ફલોટર પોલીસી હોવી જોઈએ. સારો હેલ્થ પ્લાન લેતી વખતે No Claim Bonus, Claim Settlement Ratio, Sublimits અને પ્રિમીયમ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને એક સારો મેડીક્લેમ વીમો લઇ રાખવો યોગ્ય છે. જો તમે કોઈ કંપનીમા કામ કરતા હો અને તમને મેડીકલ વીમો પણ મળતો હોય તો પણ પોતાની  એક પોલીસી ખરીદવી જોઈએ કારણકે જો તમે નોકરી બદલો છો તો નવી નોકરીમાં મેડીક્લેમ ના પણ હોય અથવા તો તેની શરતો અલગ પણ  હોય.

ટર્મ પ્લાન :- 
પરિવારમાં કમાતી વ્યક્તિનું જો અચાનક મૃત્યુ થઇ જાય તો પરિવાર ના બાકી ના લોકો નું જીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે. જો આવી પરિસ્થિતિ ન લાવવી હોય અને તમારી ગેરહાજરીમાં પણ બાળકો અને પત્નિને સારી જીવનશૈલી આપવા માંગતા હોવ તો તમારે એક ટર્મ પ્લાન ખરીદવો જોઈએ. ટર્મ પ્લાનમાં જો વ્યક્તિ નું મૃત્યુ થાય તો જ તેને વીમા ની રકમ મળે છે. ટર્મ પ્લાન લેવાનો હેતુ ઘરની મુખ્ય કમાતી વ્યક્તિની ગેરહાજરીમાં પણ ઘરખર્ચ  કે અગત્યના નાણાકીય ધ્યેયને પહોચી વળાય તેવી વ્યવસ્થા કરવાનો હોય છે. Online ટર્મ પ્લાન સૌથી સસ્તા હોય છે.


ધ્યેય આધારિત રોકાણ :- 
દરેક પરિવારમાં હરેક વ્યક્તિના ધ્યેય અલગ હોય છે. જેમકે દંપતી માટે નિવૃત્તિ આયોજન અગત્યનું છે તો બાળકો માટે ભણતર અને લગ્ન અગત્યના છે. દરેક ધ્યેયને એના પાકવાના સમય પ્રમાણે જોડીને બચત કરેલી રકમ માંથી નિવેશ કરવું જોઈએ. વિચાર્યા વગર નિવેશ ન કરતા દરેક ધ્યેયને મેપ કરીને નિવેશ કરવાથી યોગ્ય સમયે પૈસા મેળવી શકાય છે.


SIP :- 
તમારી આવક જાવકનું મુલ્યાંકન કર્યા બાદ, કટોકટી ભંડોળ એકઠું કર્યા પછી તમે તમારા અગત્યના ધ્યેય માટે SIP કરી શકો છો. SIP તમે દર મહીને ફકત 500 રૂપિયા થી પણ શરુ કરી શકો છો. SIP  કરવાથી એવરેજીંગ (સરાસરી) નો ફાયદો મળે છે. તેમજ નાની રકમ થી પણ શરુ કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાના જોખમ લેવાના આધાર પરથી Mutual Fund ની યોજના પસંદ કરી શકે છે. આ SIP  બેંકના ડીમેટ દ્વારા, Mutual Fund કંપનીના સીધા (Direct) પ્લાન દ્વારા તેમજ કોઈ નાણાકીય સલાહકાર ની સલાહ લઇને કરી શકાય છે.


પોર્ટફોલીઓ રીવ્યુ :- 
તમે કરેલા રોકાણનો એક પોર્ટફોલીઓ બને છે. તેને દર 3 થી 6 મહીને એકવાર રીવ્યુ કરવો જોઈએ. આમ કરવાથી તમે કરેલા નિવેશના દેખાવ પર ધ્યાન આપી શકો છો. તમારા પોર્ટફોલીઓના Asset  Allocation પર ધ્યાન આપો. જો કોઈ એક Asset કક્ષામાં વધારે નિવેશ થઇ ગયું હોય તો તેને rebalance કરી શકાય છે. તમારી પાસેની બધીજ બચત એકજ બાસ્કેટમાં ન રાખો. હંમેશા યાદ રાખો કે, “Dont put all your egg in one basket”


ફુગાવા ને હરાવો :- 
હાલના સમય માં ફુગાવાનો દર અંદાજે 7% છે અને આપણા પૈસા 4% ના દરે સેવિંગ ખાતામાં હોય તો આપણી બચત ફુગાવાને હરાવતી નથી. તમારી બચતને એ રીતે નિવેશ કરો કે તમને તેનું વળતર ફુગાવા ના દર થી વધારે મળે. તોજ તમારી સંપતિ વધશે.  ફુગાવા ના દર થી રોકાણ પર ઓછું વળતર મળતું હોય તો તમારી સંપતિ ઘટી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને નિવેશ કરો.

ટેક્ષ પ્લાનિંગ :-
તમે નોકરિયાત હો કે વેપારી હો જો તમે ટેક્ષનું પ્લાનીંગ સ્માર્ટ રીતે કરો તો તમારી સંપતીમાં વૃદ્ધિ થઇ શકે છે. ટેક્ષ પ્લાનીંગમાં ઓછામાં ઓછો ટેક્ષ લાગે તેવા સાધનોમાં રોકાણ કરો. રોકાણ પરના વળતર તેમજ સમય પાકતા મળતી રકમ પર પણ ઓછામાં ઓછો ટેક્ષ લાગે તેનું ધ્યાન રાખો. ટેક્ષ બચાવા માટે Equity સાધનોમાં રોકાણ કરીને લાંબા ગાળે ફાયદો મેળવી શકાય છે. 

નવા વર્ષની શરૂઆતમાં આપણે નવા નિયમો બનાવીએ છીએ તો આ વર્ષે આપણે એક ચોક્કસ Budget બનાવીને, નાણાકીય જોખમોને આવરી લઇને, ધ્યેય આધારિત SIP કરીને, ટેક્ષનું સ્માર્ટ પ્લાનિંગ કરીને અપણા ફાયનાન્સનું ખુબ સારી રીતે આયોજન કરવાનો નિયમ લઈએ. જેથી કરીને આવનારા વર્ષો નાણાકીય ચિંતાઓથી મુક્ત બનીને શાંતિથી પસાર કરતા જીવી શકીએ.

લેખીકા:- કુંજલ શાહ
કુંજલ શાહ www.gettingyourich.com ના Director છે. તેમનો સંપર્ક  [email protected] પર થઈ શકે છે.


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!