પરંતુ શા માટે મારે પૈસા બચાવવા ? 

Written by Vidya Kumar

April 9, 2014

Picture

પૈસા બચાવવા એ આરામદાયક આર્થિક જીવન માટે અત્યંત મહત્વનું છે. આર્થિક ટેકો ઊભો કરવા કે જેથી આકસ્મિક સંજોગોમાં આધાર મળી રહે, આરામદાયક નિવૃત્ત જીવન જીવવા માટે, મોટી ખરીદી કરી શકાય એ માટેના આવશ્યક ફંડ માટે અને વૈભવી જીવન જીવવા માટે, તણાવ મુક્ત આર્થિક જીવન જીવવા માટે, દેવું ઘટાડવા માટે અને અંતે સંપત્તિના સર્જન માટે આ તમામ કારણોસર બચત અનિવાર્ય છે. વહેલા બચત કરવાની શરૂઆત કરો તેમજ નિયમિત બચત કરો.

 

બાળકોની જેમ આપણામાંના તમામે કીડી અને ખડમાકડીની વાર્તા સાંભળી છે. જો આપને બાળકો હશે તો આપે આ જ વાર્તા મોટે ભાગે તેઓને સંભળાવી પણ હશે. પરંતુ આપણામાંના કેટલા ખરેખર આ વાર્તામાં રહેલા તત્વને અનુસરવાનું  સમજી શક્યા હશે – ‘બચત’ ? બચત ન કરવા અંગેના ઘણા બધા બહાનાઓ આપણી પાસે હશે અને વારંવાર એની પુનરાવૃત્તિ સાંભળવા મળશે – ‘હું આવતા મહિનેથી શરૂઆત કરીશ’, ‘જ્યારે મારી આવકમાં વધારો થશે ત્યારે હું બચતની શરૂઆત કરીશ’, જ્યારે મારી પાસે જવાબદારીઓ હશે ત્યારે મોડેથી હું બચતની શરૂઆત કરીશ વગેરે વગેરે. પરંતુ સમજદાર આર્થિક આયોજનની મહત્વની બાબત એ છે કે શક્ય એટલી વહેલા બચત શરૂ કરવી, નિયમિત બચત કરવી અને શાણપણપૂર્વક બચત કરવી. ચાલો જોઈએ સ્પષ્ટ તેમજ અસ્પષ્ટ કારણો – શા માટે આપે બચત કરવી જોઈએ –

આપણે શરૂઆત કરીએ દેખીતા કારણોથી –

કટોકટી પૂરી કરવા માટે : ‘વરસાદી દિવસ માટે સાચવી રાખો’ એવી જે કહેવત છે એ જ સૌથી મહત્વનું દેખીતું કારણ છે પૈસા બચાવવા માટેનું. આપ એ ક્યારેય જાણી શકતા નથી કે કેવી રીતે આપનું જીવન એક જ ઘટનાથી બદલાઈ જવાનું છે. નોકરી છૂટી જવી અથવા પગારમાં ઘટાડો થવો તે એક અકસ્માત છે તેમ છતાં એનાથી આપની આવકનો સ્રોત ચોક્કસપણે અસર પામશે. કેટલીક કટોકટીઓ પૂરી કરવા માટેનો ઉત્તમ રસ્તો છે, આપની પાસે બચતરૂપી હોજ હોવો જોઈએ કે જેમાં આપ ડુબકી મારી શકો. અનિશ્ચિતતા – આયોજન વિશે વધુ અભ્યાસ કરવા માટે અહીં ક્લિક કરવા વિનંતી. આપ અણધારી બાબતો વિશે ધારણા ન કરી શકો, પરંતુ આપ અનિશ્ચિતતા સામે લડવા માટે ઓછામા ઓછું આર્થિક દૃષ્ટિએ સજ્જ તો રહી શકો છો.

સુરક્ષિત નિવૃત્તિ હોવી : ત્યારબાદ જોઈએ તો, આપ આરામદાયક નિવૃત્ત જીવન તો જ જીવી શકો જો આપની પાસે નિવૃત્તિ માટેનું પૂરતું ભંડોળ હોય. જેટલું જલ્દી આપ આપની કારકીર્દિમાં બચત કરવાનું શરૂ કરશો એટલું ઓછું આપને માસિક ધોરણે બચત કરવાનું આવશે. સંયુક્ત કામગીરીનો જાદૂ અદ્ભૂત હોય છે અને એવા ઘણા જુદા જુદા રાજમાર્ગો છે કે જેને આપ નિવૃત્તિ સમય માટે બચત કરવા માટે પસંદ કરી શકો છો. નિવૃત્તિ આયોજન વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરવા વિનંતી.

મોટી ખરીદી માટેનું ભંડોળ : મકાન અથવા કારની ખરીદી અત્યંત ખર્ચાળ હોય છે અને આપના ખિસ્સામાં એ એક મોટો ખાડો પાડી દે છે. તેમ છતાં આજના દિવસોમાં હોમ લોન અથવા કાર લોન લેવાનો વિકલ્પ વધુ સામાન્ય બનતો જાય છે. મકાન અથવા કારની મૂળ કિંમતના 15 % થી 20 % સુધીનું પ્રારંભિક ડાઉન પેમેંટ આપના ખિસ્સામાંથી ચાલ્યું જાય છે. આજના સમયમાં વધતી જતી રીયલ એસ્ટેટની કિંમતો સાથે આ રકમ ઘણી નોંધપાત્ર બની શકે છે. આપની કારકીર્દિની શરૂઆતથી જ ઘણી મોટી ખરીદી માટે બચત કરવાની શરૂઆત કરો અને આપને આશ્ચર્ય થશે કે એક નાનકડી રકમ પણ નોંધપાત્ર ભંડોળ ઊભું કરી શકે છે.

વૈભવી જીવન માટે ભંડોળ : રમત – ગમતનું ખર્ચાળ સાધન, ફ્લેશી મોબાઈલ ફોન અથવા વૈભવી શૈલીથી રજાના દિવસો ગાળવા – જીવનમાં આ બધું એક વાર છૂટથી માણવાનું કોને નથી ગમતું ? પરંતુ કેટલીક વૈભવી ચીજ – વસ્તુઓ પર વિચાર્યા વિના આંધળો ખર્ચ કરવો એ આર્થિક શાણપણ તો નથી જ. વૈભવી જીવનશૈલી માટે અગાઉથી જ આયોજન કરો અને ત્યાં સુધી પહોંચવા માટે માસિક આધાર પર બચત કરવાનું શરૂ કરો. જ્યારે આપ નિયમિત રીતે પૈસા બચાવવાનું શીખી જશો ત્યારબાદ કેટલીક વૈભવી ચીજ – વસ્તુઓ પર ખર્ચ કરવાનું ઘણું સહેલું લાગશે અને આપના ખિસ્સાને એ હળવું પણ જણાશે.

અને હવે, બહુ – સ્પષ્ટ – નહી એવા કારણો –

ચિંતા ઓછી કરવી : આપણામાંના ઘણા બધા આ સમજતા નથી – પરંતુ જ્યારે આપણે નિયમિત રૂપે બચત કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે ચિંતાની બચત કરીએ છીએ ! જ્યારે આપ બચત અંગે શિસ્તબદ્ધ છો અને આપની ખર્ચ કરવાની ચોક્કસ પદ્ધતિનું આયોજન કરો છો ત્યારે તે ચોક્કસપણે વિશાળ હદે આર્થિક તણાવમાં ઘટાડો કરે છે તેમજ આપના આર્થિક જીવનને વધુ સારી રીતે આયોજિત કરે છે.

આપનું ઋણ ઓછું કરે છે : બચત કરવા માટેનું અન્ય એક મહત્વનું કારણ છે આપના દેવા સમાપ્ત કરવા. એ સમજી શકાય એમ છે કે દેવા ક્યારેય સંપૂર્ણ રીતે ટાળી શકાય એવા નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં જેમ કે મકાન ખરીદવું, હોમ લોન લેવી એ મોટા ભાગના લોકો માટે ન ટાળી શકાય એવા દેવા છે. તેમ છતાં એવા પણ ઘણા લોકો છે કે જેઓ ક્રેડીટ કાર્ડ પર હદ બહારની ખરીદી કરે છે, નાણાનો ખર્ચ કરે છે અથવા પોતાના ખર્ચાઓની ચુકવણી માટે બેહદ દરે વ્યાજ પર વ્યક્તિગત લોન લે છે. જો આપની પાસે બચત ભંડોળ હોય તો આવી પરિસ્થિતિને ટાળી શકાય એમ હોય છે.

સંપત્તિમાં વધારો કરવો : દેવા ઓછા કરવાનો અર્થ એ કે એના વ્યાજ તરીકે ઓછી રોકડ રકમ બહારની તરફ વહેવડાવવી. આ રીતે આપની બચતના ભંડોળમાં માત્ર ઉમેરો થાય છે અને ફરીથી આપને આપની સંપત્તિનું સર્જન કરવામાં સારી એવી મદદ પ્રાપ્ત થાય છે. તેથી લાંબા ગાળે એની અસર જોઈએ તો, જો શરૂઆતથી જ બચત કરીએ તો પૈસો પૈસાને ખેંચે છે.

આજથી જ પૈસાની બચત કરવાનું શરૂ કરો, નિયમિત બચત કરો અને આર્થિક દૃષ્ટિએ ભરપૂર જીવન જીવવા માટે ખર્ચ ઓછા કરો.  

સ્મિતા હરિ (મૂળ અંગ્રેજી લેખક)
કલ્પેશ સોની (ગુજરાતીમાં અનુવાદ)  

But why should I save money?


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!